આપણું રસોડુ
કાશમીરી પુલાવ
સામગ્રી :- બાફેલો ભાત ડુંગળી , ગાજર, કોબીજ, કેપ્સીકમ, વટાણા (બાફેલા) બીટ(છીણેલું) મરચું,મીઠું,ગરમ મસાલો, આદુ-મરચાં-લસણની પેસ્ટ, થોડીક હળદર તજ-લવિંગનો ભૂકો
રીતઃ
સૌ પ્રથમ તેલ ગરમ કરી, તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો. ગુલાબી થાય પછી તેમાં તજ-લવિંગનો ભૂકો નાંખવો. પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાંખી બરાબર હલાવો. હવે તેમાં આદું-મરચાં-લસણની પેસ્ટ નાંખી બરાબર મીક્ષ કરો. હવે તેમાં બાફેલા ગાજર, કોબીજ, કેપ્સીકમ,વટાણા નાખી થોડી વાર ચડવા દો. પછી તેમાં છીણેલું બીટ થોડું વધારે પ્રમાણમાં નાંખો.પાંચેક મિનીટ સુધી સાંતળી તેમાં મીઠું મરચું અને ગરમ મસાલો નાંખી બરાબર હલાવો. હવે બાફેલો ભાત ઉમેરો. બરાબર મિક્ષ કર્યા પછી થોડીક હળદર ઉમેરી બરાબર મિક્ષ કરો, હવે સર્વ કરો. ફાજુ-બદામપિસ્તાથી ગાર્નિશ કરો. ઉપર થોડીક કોથમીર પણ સજાવો.
મગની દાળનાં મુઠિયા
સામગ્રી :- મગની દાળ(૪ થી ૫ કલાક પલાડેલી) ઘઉંનો કરકરો લોટ ઘઉંનો ઝીણો લોટ ચણાનો લોટ ત્રણ ચમચી દહીં આદુ-લસણ-મરચાંની પેસ્ટ મીઠું, મરચું, હળદર, ધાણાજીરું જીરાઅજમાનો પાવડર થોડી ખાંડ તલ,રાઇ, જીરુ તેલ વઘાર માટે હીંગ,સુકા આખા લાલ મરચાં,લીમડો
રીત:
સૌ પ્રથમ મગની દાળ લઇ તેમાં ઘઉંનો કરકરો લોટ,ચણાનો લોટ,ઘઉંનો ઝીણો લોટ,ત્રણ ચમચી દહીં, આદુ-મરચા-લસણની પેસ્ટ,મ રચું,હળદર,મીઠું, ધાણાજીરુ જીરા-અજમાનો પાવડર, થોડી ખાંડ.તલ,તેલનું મોણ નાંખી બધું બરાબર મિક્ષ કરી લો. સહેજ પાણી નાંખી મુઠીયાનો લોટ બાંધો. હવે મુઠીયા બનાવી ગરમ પાણી ઉપર બાફવા મૂકો ૧૫ મિનીટ પછી બહાર કાઢી કાપી લો. હવે તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરુનો વઘાર કરી, તેમાં હીંગ,સુકા લાલ મરચાં અને લીમડો નાંખી ઉપર તૈયાર મુઠીયા નાખી બરાબર હલાવો.પાંચેક મિનીટ પછી ઉતારી લો. હવે ગરમ ગરમ સર્વ કરો.
દૂધીનાં કોફતા
સામગ્રી :- છીણેલી દૂધી, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ ,આદુ-મરચાંલસણની પેસ્ટ, ત્રણેક ચમચી દહીં ખાંડ,મરચું, મીઠું,હ ળદર,ધાણાજીરુ. અજમા-જીરાનો પાવડર ડુંગળી ટામેટા વઘાર માટે હીંગ, આખા લાલ મરચાં, લીમડાનાં પાન સજાવટ માટે કોથમીર
રીત:
સૌ પ્રથમ છીણેલી દૂધીમાં ઘઉંનો જાડો લોટ,ઘઉંનો ઝીણો લોટ, ચણાનો લોટ,આદુમરચા-લસણની પેસ્ટ,ગણેક ચમચી દહીં, ખાંડ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરુ, અજમાનો પાવડર,થોડું કોથમીર, તેલ(મોણ જેટલું લઇ હવે તેમાં પાણી ઉમેરી થોડું જાડુ ખીરું તૈયાર કરો. હવે તેને તેલમાં ભજીયાની જેમ તળી લો. (ધીમા તાપે) હવે તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરી હીંગ નાંખો. હવે લાલ આખા મરચાં, લીમડાનાં પાન નાંખી ડુંગળી, ટામેટા આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો. પછી તેમાં મરચું, મીઠું,હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ,ખાંડ નાંખી થોડુંક પાણી ઉમેરી ગ્રેવી તૈયાર કરો, કે જેથી તેમાં કોફતા ડુબી શકે. તેલ છૂટું પડે ત્યાં સુધી ગરમ કરો. ત્યાર બાદ તેમાં કોફતા ઉમેરી પાંચેક મિનીટ રહેવા દો. પછી તેને બાઉલમાં લઇ કોથમીરથી સજાવી સર્વ કરો.
મોગલાઈ પરોઠા
સામગ્રી :- ભાખરીનો બાંધેલો લોટ, ચણાનાં લોટનું ખીરું (મીઠું,મરચું ઉમેરેલું) , બટાકાનો માવો (મીઠું, મરચું ઉમેરેલું), સજાવટ માટે કોથમીર મરચાંની ચટણી,ઝીણી સમારેલી કોબીજ, ઝીણા સમારેલાં કાંદા, ઝીણા સમારેલાં ટામેટા, ગાજર,કાકડી, અને ઝીણી સેવ.
રીત :
સૌ પ્રથમ બાંધેલા લોટની ભાખરી વણો (પીઝા જેવડી) હવે તેને ધીમા તાપે એક બાજુ શેકો. હવે શેકાએલો ભાગ પલટાવી શેકાએલા ભાગ પર ચણાના લોટનું ખીરું પાથરો, ઉપર બટાકાનો માવો પાથરો. હવે ઉપર સહેજ તેલ ઉમેરી ઉથલાવો. બે-ત્રણ 1 મિનીટ શેકી લો. પછી તેને નીચે ઉતારી પિઝાની જેમ ચાર પીસ કરો. ઉપર કોથમીર મરચાંની પેસ્ટ પાથરો. પછી તેમાં ઝીણા સમારેલાં કાંદા,કોબીજ,ટામેટા,કાકડી,ગાજર અને ઝીણી સેવથી સજાવો.