નવાઝ શરીફ પરત આવશે !
પાડોશી દેશ પાકિસ્તાન માં ૨૦૨૨ માં તખ્તા પલટ ની કથા લખાઈ ચુકી છે. મળતી માહિતી મુજબ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ જાન્યુ. માસ માં પાકિસ્તાન ફરી શકે છે. કોર્ટ સમક્ષ હાજર પણ થઈ થોડો સમય જેલવાસ ભોગવી ને મુક્ત થઈ ને ફરી ચોથી વાર પાકિસ્તાન ના વડાપ્રધાન બની શકે છે.પાકિસ્તાન ના પૂર્વ વડાપ્રધાન નવેમ્બર, ૨૦૧૯ થી લંડનમાં રહે છે. તેઓ પાકિસ્તાન માં જેલવાસ માં હતા અને તબિયત બગડતા વધુ સારવાર અર્થે લંડન આવ્યા બાદ પરત ગયા નથી. બીજી તરફ તેમની સાથે જ જેલવાસ ભોગવી રહેલી પુત્રી મરિયમ જામિન ઉપર છૂટી ને રાજકારણ માં સભાઓ ગજવે છે. જો કે નવેમ્બર, ૨૦૧૯ થી ડિસે. ૨૦૨૧ સુધીમાં ઝેલમ નદી માં ઘણા પાણી વહી ગયા. પાકિસ્તાની સેના ના સિલેક્ટડ પ્રાઈમ મિનિસ્ટર ઈમરાન ખાન નિયાઝી ન માત્ર પાકિસ્તાન માં સરકાર ચલાવવા માં જ નિષ્ફળ રહ્યા છે, પરંતુ આઈ.એસ.આઈ. ચીફ મામલે પાક. આર્મી કમર બાજવા સાથે થયેલો ખટરાગ બાદ સેના અને સરકાર વચ્ચે ના સંબંધો તંગ બન્યા છે. વિશ્વ માં લગભગ બધા દેશો ની સરકારો પાસે, બધા દેશો પાસે પોતાનું લશ્કર છે, જો કે પાકિસ્તાન એક માત્ર એવો દેશ છે કે જ્યાં સેના પાસે એક દેશ છે.
અર્થાત કે અહીં પાકિસ્તાન માં સેના ના સમર્થન વગર સત્તા માં રહેવું કોઈ પણ સરકાર માટે સંભવ નથી. આથી જ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ત્રણ-ત્રણ વાર પાકિસ્તાન ના વડાપ્રધાન બનવા છતા ક્યારેય પોતાની ટર્મપુરી કરી શક્યા નથી. ૨૦૧૯ માં પનામા પેપ- ર્સ માં શરીફ પરિવાર નું નામ આવ્યા બાદ, સેના ની મદદ થી પરિવર્તન ના નામે અને પાકિસ્તાન ની જનતા ને “નયા પાકિસ્તાન” નો નારો આપી ને ઈમરાન ખાને પાક.માં સરકાર બનાવી, પરંતુ તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. પાકિસ્તાન માં વધેલી મોંઘવારી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન ની દેવાળીયા દેશ ની સ્થિતિ ના કારણે દેશ ની જનતા માં રોષ વ્યાપ્યો છે. પાક.માં ખુલ્લેઆમ વિપક્ષો તેમને સિલેક્ટડ પ્રાઈમ મિનિસ્ટર સંબ|ોધતા હોવાથી પાક. સરકાર ની નિષ્ફળતા ઓ થી સેના ની ઈમેજ ને પણ નુક્સાન પહોંચ્યું છે. આ દરમ્યિાન ત્રણ માસ અગાઉ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે લંડન થી વિડીયો કોન્ફરન્સીંગ ના માધ્યમ થી તેમના પક્ષ ના ટેકેદારો અને દેશ ની જનતા સાથે વાત કરતા સેના અને આઈએસઆઈ ના અધિકારીઓ ના નામ લઈ ને તેમના કાંડ નો પર્દાફાશ કરતા હતા. આથી પાક. સેના ને બેવડો માર પડતો હતો. એક તરફ ઈમરાન ની નિષ્ફળતા ને લીધે થઈ રહેલી બદનામી અને બીજી તરફ નવાઝ શરીફે સીધા નામ લઈ ને હુમલા શરુ કરતા દેશ ની જનતા પણ સેના અને આઈએસઆઈ ને વિલન તરીકે જોવા લાગી હતી.
પાકિસ્તાન માં મુખ્ય બે વિપક્ષો છે. પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ (પીએમએસ-એન) હવે પી.પી.પી. મુખ્યત્વે સિંધ પ્રાંત ની પાર્ટી મનાય છે. જેમાં હાલ ના નેતા આસિફ અલી ઝરદારી ૬૬ વર્ષ ના છે, પરંતુ ગંભીર બિમાર છે જ્યારે પુત્ર બિલાવલ ભુટ્ટો હજુ રાજનીતિ માં શિખાઉ ગણાય છે. વળી બન્ને માં થી કોઈ નો પણ કરિશ્મા બેનઝીર ભુટ્ટો જેવો નથી. જ્યારે પી.એમ.એલએન માત્ર પંજાબ માં જ નહી, પરંતુ દેશ ના અન્ય ભાગો માં પણ મજબૂત મનાય છે. નવાઝ શરીફ અધ્યક્ષ છે જ્યારે ભાઈ શાહબાઝ શરીફ તેમ જ મરિયમ નવાઝ શરીફ પણ રાજકારણ માં પાકટ મનાય છે. આ ઉપરાંત પાકિસ્તાન માં સેના હોય કે રાજનીતિ કે સરકારી અમલદારશાહી ૮૦ થી ૯૦ ટકા લોકો પંજાબ ના જ હોય છે. આમ પંજાબીઓ નું પાકિસ્તાન ઉપર વર્ચસ્વ છે. હવે પાક. સેના એ પણ ઈમરાન થી મોં ફેરવી લેતા હાલ ની પાકિસ્તન ની પરિસ્થિતિ માં વધુ કોઈ નવા નિશાળીયા નો અખતરો કરવા કરતા અનુભવી ઉપર પસંદગી ઉતારી છે. આધારભૂત સૂત્રો ના જણાવ્યા પ્રમાણે સેના અને લંડન વચ્ચે ત્રણ માસ થી સંપર્ક સધાયા બાદ બધી ગોઠવણ થઈ ચૂકી છે. આથી જ હવે નવાઝ શરીફ પોતાના સંબોધનો માં સેના અધ્યક્ષ કમર બાજવા નું નામ લેવાનું ટાળે છે. પાકિસ્તમન ના મોટા ગજા ના વરિષ્ઠ પત્રકાર સલીમ સાફી એ ત્રણ દિવસ અગાઉ ટ્વિટ કર્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૨ માં નવાઝ શરીફ પરત પાકિસ્તાન આવશે. દેશ ની રાજનીતિ માં પરિવર્તન નો સમય આવી ગયો છે. તેમના ટ્વિટ ને પાકિસ્તાન માં ગંભીરતા થી લેવા માં આવ્યું, ત્યાર બાદ બીજા એક વરિષ્ઠ પત્રકાર નઝમ શેઠી એ પણ કહ્યું છે સલીમ સાફી બિલકુલ સાચા છે.
નવાઝ ના દેશ માં પરત ફરવા ની સ્ક્રિપ્ટ પર ત્રણ મહીના થી કામ ચાલી રહ્યું હતું અને હવે નક્કી થયા મુજબ તેઓ જાન્યુઆરી ૨૦૨૨ માં પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. નઝમ શેઠી ના જણાવ્યા અનુસાર પાકિસ્તાન માં સત્તા પરિવર્તન બે ભાગ માં થશે. જાન્યુઆરી માં નવાઝ શરીફ ના પરત આવ્યા બાદ ફેબ્રુઆરી કે માર્ચ માં ઈમરાન ને સત્તા છોડવા મજબૂર કરાશે. ત્યાર બાદ બાકી બચેલા સમય માટે ઈમરાન ની જ પાર્ટી પીટીઆઈ ના કોઈ નેતા સંભવતઃ વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી ને વડાપ્રધાન બનાવાશે. આ દરમ્યિાન વતન પરત ફરેલા નવાઝ શરીફ થોડો સમય જેલ માં વિતાવશે. ત્યાર બાદ સેના ના નિર્દેશો ઉપર કોર્ટ તેમની ઉપર નો કેસ સમાપ્ત કરી ને તેમને મુક્ત કરી દેશે. ત્યાર બાદ આવતા વર્ષે જ પાકિસ્તાન માં ચૂંટણી યોજાવા ની છે. જે અગાઉ સ્વચ્છ ઈમેજ સાથે નવાઝ શરીફ ચૂંટણી જંગ લડશે અને ત્યાર બાદ પાક. ના વડાપ્રધાન તરીકે નવાઝ શરીફ કે શાહબાઝ શરીફ કે પછી મરિયમ નવાઝ ને વડાપ્રધાન બનાવાશે. જો કે આ રેસ માં નવાઝ શરીફ નું જ નામ સૌથી આગળ છે. આમ પૂર્વ વડાપ્રધાન નો વતન પરત ફરવા નો તેમ જ ઈમરાન ખાન ની સરકાર નો તખ્તા પલટ કરવા ની સંપૂર્ણ સ્ક્રીપ્ટ તૈયાર છે.
જો કે આ બધી ચર્ચાતી વાતો થી હાલ ના વડાપ્રધાન ઈમાન ખાન નિયાઝી અજાણ છે તેમ પણ નથી. ગત સપ્તાહે જ તેમણે બોલાવેલી કેબિનેટ મિટીંગ માં ઈમરાન ખાને કેબિનેટ ના સાથી મંત્રીઓ ને સ્પષ્ટ કહ્યું હતું કે એક ભ્રષ્ટાચારી નેતા ને ચોથી વાર દેશ ના વઝીર-એ-આઝમ બનાવવા ની તૈયારીઓ ચાલી રહી છે. જો કે હવે પાકિસ્તાન માં ઈમરાન શાસન માં તેઓ સત્તા ઉપર આવ્યા ત્યારે જે વિદેશી દેવુ ૯૫ અરબ ડોલર હતું તે વધીને ૧૨૭ અરબ ડોલર થઈ ગયું છે. અર્થાત કે માત્ર ૩૯ મહિના માં ૩૫ અરબ ડોલર દેવુ વધ્યું છે. આ ઉપરાંત ઈમરાને સત્તા સંભાળી ત્યારે ડોલર ની કિંમત ૧૨૩ રૂા. હતી જે હવે ૧૭૯ રૂા. થઈ ગઈ છે. આ ઉપરાંત રાજદ્વારી મોરચે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન અટુલુ પડી ગયું છે. હવે તો પાકિસ્તાન ના જીગરી દોસ્ત ચીન પણ નારાજ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ઈમરાન ને ફોન કરતા કે ઉપાડતા નથી. જ્યારે સાઉદી પણ સલામત અંતર જાળવે છે. જ્યારે જૂન ૨૦૧૮ થી પાકિસ્તાન ને એફએટીએફ એ ગ્રે લિસ્ટ માં મુક્યુ છે જેના કારણે પણ ખાડી ના દેશો લોન આપવા તૈયાર નથી.