આપણું રસોડુ
ખોયા પનીર
સામગ્રી :
૨૫૦ ગ્રામ પનીર ૫ નંગ ડુંગળી ૨ નંગ ટામેટા ૧ નંગ શિમલા મિર્ચ ૧ ચમચી ખસખસ અડધો ચમચી ખાવાનો કેસરી કલર આદુ-મરચાં-લસણની પેસ્ટ લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું ૧૨ નંગ કાજુની પેસ્ટ ૧ નંગ ચીઝ ક્યુબ અડધો કપ દૂધ ઝીણું સમારેલ કોથમીર ૧ ચમચી ગરમ મસાલો
રીત :
સૌથી પહેલા પનીરનાં ત્રિકોણ ટુકડા કરી લો. હવે તેમાં અડધી ચમચી કેસરી કલર, ખસખસ અને દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી રહેવા દો. હવે ત્રણ નંગ ડુંગળીને લાંબી સમારી લો. હવે બાકી રહેલી ૨ ડુંગળીને ચોરસ ટુકડામાં સમારી લો. શિમલા મિર્ચનાં પણ બધા જ બીયા કાઢીને ચોરસ સમારી લો. હવે ચોરસ સમારેલી ડુંગળીને ગરમ કરેલા તેલમાં સહેજ સાંતળીને જુદી કરી મુકો આ જ રીતે શિમલા મિર્ચને પણ સહેજ સાંતળીને અલગ મુકો. હવે બાકી સમારેલી લાંબી ડુંગળીને પેનમાં તેલ ગરમ કરી હળવા ગુલાબી રંગની સાંતળો. હવે ટામેટાને ઝીણા સમારી લો. સમારેલા ટામેટા અને સાંતળેલી લાંબી ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચી ગરમ મસાલો ઉમેરી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ અને કાજુની પેસ્ટ સાંતળો. હવે તેમાં ક્રશ કરેલા ટામેટા-ડુંગળી ઉમેરી ૧૦ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ફ્રાય કરેલા શિમલા મિર્ચ અને ડુંગળી ઉમેરો. હવે તેમાં દૂધમાં પલાળેલુ પનીર દુધ સાથે જ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ૧૦ મિનિટ ફરીથી તેને ચડવા દો. તેલ છૂટુ પડે ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો. હવે સર્વ કરતી વખતે બાઉલમાં લઇ તેની પર છીણેલુ ચીઝ, કોથમીર અને કાજુનાં ટુકડાતી સજાવી ગરમાગરમ નાન સાથે સર્વ કરો.
પૌઆ-બટાકાની કટલેસ
સામગ્રી :
૧૦૦ ગ્રામ પૌઆ ૪ નંગ બટાકા ૨ નંગ ઝીણા સમારેલા લીલા મરચાં ૧ ચમચી ઝીણું સમારેલ કોથમીર અડધી ચમચી લાલ મરચું ૧ ચમચી ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો ૧ ચમચી કોર્ન ફલોર
રીત :
પૌઆને પાણીથી ધોઇ લો. હવે બટાકાને બાફી લો. હવે મોટા બાઉલમાં બટાકાનો માવો, લીલા મરચાં, કોથમીર, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું, ગરમ મસાલો અને કોર્ન ફલોર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ઉપરથી પૌઆ ઉમેરી હળવા હાથેથી મિક્સ કરો કે જેથી પૌઆ આખા જ રહે. હવે તેને મનગમતા આકારમાં શેપ આપી
વચ્ચેથી ચપ્પ વડે ચીરો પાડો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં હળવા ગુલાબી રંગના તળી લો. ગરમાગરમ પૌઆ-બટાકાની કટલેસને સોસ કે લીલી ચટણી સાથે
સર્વ કરી લિજજત માણો.
દાલ બાફલે
સામગ્રી : ૫૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ અડધી ચમચી અજમો સ્વાદ પ્રમાણે મીઠું ૨ ચમચી દહીં અડધી ચમચી હળદર
ખાવાનો સોડા
સામગ્રી: ૧૫૦ ગ્રામ તુવેરની દાળ ૨ નંગ લીલું મરચું ૧ નંગ ડુંગળી આદુ-મરચાં-લસણની પેસ્ટ ૫-૬ લસણની કડી ૧ ચમચી લાલ મરચું વઘાર માટે જીરુ-રાઇ
રીત :
સૌથી પહેલા થાળીમાં ઘઉંનો લોટ લઇ તેમાં અજમો, મીઠું, હળદર, એક ચપટી ખાવાનો સોડા, દહીં અને તેલનું થોડુક મોણ ઉમેરી એકદમ કઠણ લોટ બાંધી લો. હવે તેનાં નાના નાના લાડુ વાળી હથેળી વચ્ચે સહેજ દાબીને કચોરી જેવુ તૈયાર કરી લો. વચ્ચે અંગુઠાથી દબાવો. હવે અડધી તપેલી પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે ત્યારે તેમાં તૈયાર કચોરી જેવા લાડુ બાફવા મૂકો. ૧૦ થી ૧૫ મિનિટ બાક્યા બાદ બરાબર બફાઈ જાય ત્યાર બાદ તેને થાળીમાં લઇ લો. ત્યાર બાદ આ બાફલાને ઓવનમાં શેકી લો. હવે તુવેરની દાળને કુકરમાં બાફી લો. ત્યાર બાદ તેને રવેડીથી દાળને બરાબર મિક્સ કરીને તેમાં અડધો લિટર પાણી ઉમેરી તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ તતડાવીને તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ-મરચાંલસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળીને લાલ મરચું ઉમેરી આ વઘારને ઉકળતી દાળમાં ઉમેરો. છેલ્લે ઉપરથી કોથમીર ઉમેરી ગરમાગરમ દાલ બાફલાને સર્વ કરો.