‘દાદીમા ના નુસખા
ગમે ત્યારે અને ગમે તે સમયે પચવામાં ભારે પદાર્થ ખાવાથી, ચાવ્યા વિના જલ્દી જલ્દી ખાવાનું ગળવાથી, ચા, શરાબ વગેરે વધુ લેવાથી, શારીરિક તથા માનસિક પરિશ્રમ વધુ કરવાથી અથવા બિલકુલ પરિશ્રમ ન કરવાને કારણે અજીરણ થાય છે. જે લોકો ખટાશ, તેલ, અથાણા, મસાલા વધુ ખાતા હોય છે તેઓને પણ આ રોગ થી જાય છે. આજકાલ અધિકાર લોકો ખરાબ વાતાવરણની પરવા કર્યા વિના ખેંચતાણવાળી જિંદગી જીવતા હોય છે. તે જ પ્રમાણે અસ્વસ્થદાયક મકાનમાં રેહવાથી, ટાઈટ કપડાં પહેરવાથી તથા ઘી તેલની વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ અપચો થઈ જાય છે. દાદીમા આને “અજીરણ” કહે છે.
લક્ષણો – આ રોગમાં ભૂખ લાગતી નથી. ખાધેલું પચતું નથી. પેટ ભરેલું હોય એવું લાગે છે. ઉબકાં આવે છે તથા કબજીયાત થઈ જાય છે. મોઢમાં પાણી ભરાય છે. હરઘડી પેટમાં હળવું દરદ રહ્યા કરે છે. ખાટા ઓડકાર આવવા, ઉલ્ટી જેવું થવું, ગેસ બનવી, શ્વાસમાં દુર્ગધ, જીભ પર મેલ જામવો, આ બધાં અજીરણ રોગના મુખ્ય લક્ષણો છે. કોઈકોઈવાર રોગીને ગભરામણ પણ થાય છે.
નુસખાં – અડધી ચમચી જેટલું કાચા પપૈયાનું દૂધ જરાક ખાંડ સાથે લેવાથી શીઘ્ર લાભ થાય છે.
– કાચા મૂળાના કકડા પર થોડું સિંધવ મીઠું, વાટેલી મરી અને અજમો ભભરાવો. ઉપરથી અડધુ લીંબુ નિચોવી જમ્યા પછી ચાવીચાવીને ખાઓ. ભોજન પચાવવા માટે આ રામબાણ નુસખો છે.
– બે લવિંગ, એક હરડેનું ચૂરણ તથા એક ચપટી સિંધવ મીઠું – આ ત્રણેયનો કાઢો બનાવી પીઓ.
– ડુંગળના રસમાં થોડું સિંધવ મીઠું મેળવી પીવાથી અપચો દૂર થાય છે.
– ૧૦ ગ્રામ સુકાયેલા ધાણા, ચાર-પાંચ મરી તથા બે ચપટી સિંધવ મીઠું – ત્રણેયને વાટી ગરમ પાણી સાથે જમ્યા પછી લો.
– ૧૦ ગ્રામ જીરૂ, ૫ ગ્રામ મરી, ૫ ગ્રામ સૂંઠને વાટી તેમાં સિંધવ મીઠું મેળવી શીશીમાં ભરી રાખો. જમ્યા પછી થોડા દિવસો સુધી નિયમિત રીતે લેવાથી અપચો મટી જશે.
-તવા પર શેકેલું જીરૂ, સિંધવ મીઠું તથા મરીને યોગ્ય પ્રમાણમાં લઈ વાટી લો. તેમાંથી અડધી ચમચી જેટલું ચૂરણ છાશ કે દહીં સાથે લો. – ૧૦ ગ્રામ દેશી કપૂર, ૧૦ ગ્રામ અજમો, ૧૦ ગ્રામ ફુદીનો આ ત્રણેયની ચટણી બનાવો. આમાંથી એક ચમચી ચટણી બંને ટાઈમ ભોજન પછી લો. – બે કળી લસણ, એક કકડો આદુ, થોડી લીલી કોથમીર, ૩ ગ્રામ મરી, ૫ ગ્રામ જીરૂ અને ૩ ગ્રામ મીઠું આ બધાને
વાટી ચટણી બનાવો. ભોજન સાથે આ ચટણીનો પ્રયોગ કરો.
– મૂળાના રસમાં ખાંડ મેળવી પીવાથી આફરો અને અપચો બંને મટી જાય છે. -ડુંગળી કાપી તેના પર થોડું લીંબૂનિચોવો. દરરોજ જમતી વખતે ખાઓ. – છાશ કે દહીંમાં અડધી ચમચી શેકેલું જીરૂં, અડધી ચમચી મીઠું તથા આઠ-દસ મરીને વાટી મેળવો. જમ્યા પછી આ છાશ પીઓ.
– સૂંઠ, હીંગ, મરી, તથા શેકેલા જીરૂને સરખા પ્રમાણે લઈ વાટી લો. તેમાંથી એક ચમચી ચૂરણ ગરમ પાણી સાથે સવાર-સાંજ લો.
કેળાનું શાક અથવા પાકા કેળા ખાવાથી અપચો મટી જાય છે. પાકા કેળાં ઓછામાં ઓછા ત્રણ તો જરૂર ખાવા જોઈએ.
– હીંગને પાણીમાં પલાળી નાભિ પર મૂકવાથી ઓડકાર આવે છે અને ગેસ બહાર નિકળી જાય છે.