આપણું રસોડુ

તાંદડજાની કઢી

સામગ્રી

૫૦ ગ્રામ તાંદલજાની ભાજી ૨ વાડકી દહીં એક ચમચી ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરુ લસણ-આદુ-મરચાંની પેસ્ટ હળદર ૧ ચમચી આખા ધાણા તજનો ટુકડો ૨-૩ લવિંગ મીઠો લીમડો જીરું, હિંગ ઝીણી સમારેલી કોથમીર લીલુ મરચું સુકુ લાલ મરચું

રીત:
સૌ પ્રથમ દહીંને બરાબર વલોવીને તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિકસ કરી લો. હવે તેમાં પાણી ઉમેરો. ત્યાર બાદ ડુંગળીને ઝીણી સમારી લો. હવે લસણ-આદુ-મરચાંની પેસ્ટ, ધાણા, લાલ અને લીલું મરચું અને જીરુ ઉમેરી વાટીને પેસ્ટ તૈયાર કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળો. ત્યાર બાદ કઢીને ઉકળવા મુકો. હવે તેમાં મીઠું, હળદર અને વાટેલો મસાલો ઉમેરી તાંદળજાની ભાજી ઝીણી સમારીને ધોઇને ઉમેરો. હવે ઘી ગરમ કરી તેમાં જીરુ, તજ-લવિંગ, હિંગ અને મીઠો લીમડો ઉમેરી વઘાર કરી ઉકળતી કઢીમાં રેડો. બરાબર ઉકળી જાય અને કઢી તૈયાર થઇ જાય ત્યારે તેની પર કોથમીર ભભરાવીને ગરમાગરમ બાજરીના રોટલા સાથે કે પછી ગરમાગરમ ખીચડી સાથે સર્વ કરી લિજ્જત માણો.


મેજિક બાસ્કેટ

સામગ્રી

૧૦૦ ગ્રામ મેંદો ૫૦ ગ્રામ રાજમા ૧ નંગ શિમલા મિર્ચ ૧ નંગ ડુંગળી ૧ નંગ ટામેટું ઝીણી સમારેલી કોથમીર તાજુ ક્રીમ અમેરિકન કોર્ન ટોમેટો કેચઅપ સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું, જીરુ, અજમો, | ખસખસ રીતઃ
સૌ પ્રથમ મેંદામાં સહેજ મીઠું અને ખસખસ ઉમેરી લોટ બાંધી લો. હવે ૩૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ત્યાર બાદ લોટનાં નાના નાના લુવા કરીને નાની પુરીઓ વણી લો. હવે આ પુરીને એક નાની વાટકીની ફરતે વીટીને ગરમ તેલમાં તળી લો. જેથી જે બાસ્કેટનાં આકારમાં વાટકીથી છૂટી પડીને તળાશે. હવે આ જ રીતે બીજા બાસ્કેટનાં આકારમાં પુરીઓ તૈયાર કરી લો. ત્યાર બાદ તેમાં ભરવા માટે પુરણ તૈયાર કરવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા શિમલા મિર્ચ, ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર સાંતળો. હવે તેમાં મીઠું, મરચું, કોથમીર, અજમો, બાફેલા રાજમા, ટોમેટો કેચઅપ અને અમેરિકન કોર્ન ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી લો. બધુ બરાબર મિક્સ થઇને સુકી ભાજી જેવુ તૈયાર થાય ત્યાર બાદ એક ડિશમાં બાસ્કેટ ગોઠવીને તેમાં વચ્ચે તૈયાર મિશ્રણ ભરીને ઉપરથી તાજુ ક્રીમ પાથરીને કોથમીરથી સજાવી ગરમાગરમ સર્વ કરવું.


અમૃતસરી પનીર

સામગ્રી

૨૫૦ ગ્રામ પનીર ૫૦ ગ્રામ તાજો માવો ૨૫ ગ્રામ કાજુ અડધી ચમચી જીરુ ૧ ચમચી તાજુ ક્રીમ સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું, ગરમ મસાલો કસ્તુરી મેથી એક કપ ક્રશ કરેલા ટામેટા આદુ-મરચાં-લસણની પેસ્ટ

રીત:

સૌ પ્રથમ તેલ ગરમ કરી તેમાં પનીરનાં ટુકડાને ગુલાબી રંગનાં તળી લો. ત્યાર બાદ તેને પાણીમાં પલાળી રાખો. હવે પેનમાં ફરીથી થોડુક તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ સાંતળીને તેમાં ક્રશ કરેલા ટામેટા સાંતળો. તેલ છુટુ પડવા લાગે ત્યારે તેમાં તાજો માવો, કાજુ, જીરુ, ક્રિમ, કસ્તુરી મેથી, લાલ મરચું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર હલાવી લો. જરુર પડે તો સહેજ પાણી ઉમેરીને ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી લો. હવે તેમાં પનીર ઉમેરી પાંચ મિનિટ સુધી ચડવા લો. તૈયાર થઇ જાય ત્યાર બાદ તેને બાઉલમાં લઇ ઉપરથી ચીઝથી ગાર્નિશ કરીને ગરમાગરમ પરોઠા કે નાન સાથે સર્વ કરો.


બટાકાનાં ગુલાબજાંબુ

સામગ્રી

૨૫૦ ગ્રામ બાફેલા બટાકા ચપટી કેસર એક ચમચી ગુલાબજળ ૨ ચમચી આરાલોટ દોઢ કપ ખાંડ

રીત:
સૌ પ્રથમ બાફેલા બટાકાને છોલીને તેનો માવો કરી લો. ત્યાર બાદ તેમાં આરાલોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તવીમાં ખાંડ ડૂબે તેટલું પાણી અને ખાંડ લઇને એક તારી ચાસણી તૈયાર કરી લો. ત્યાર બાદ તેમાં ગુલાબજળ અને કેસર ઉમેરી લો. હવે બટાકાના માવાનાં નાના નાના ગોળા વાળી લો. હવે પેનમાં ઘી ગરમ કરી તેમાં તૈયાર ગોળા હળવા ગુલાબી રંગનાં તળી લો. હવે તેને તૈયાર ચાસણીમાં નાંખો. ગરમાગરમ ગુલાબજાંબુને બાઉલમાં સર્વ કરી લિજ્જત માણો.

Leave a Reply

Your email address will not be published.