આપણું રસોડું

બાસ્કેટ ચાટ

સામગ્રી:- ૧૦૦ ગ્રામ મેંદો ૫૦ ગ્રામ મકાઈનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું ૧ માપસરનું બાફેલુ બટાકુ ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ ૧૦૦ ગ્રામ બાફેલા કાબુલી ચણા ૧૦૦ ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી ૧૦૦ ગ્રામ ઝીણી સમારેલી કાકડી ૧૦૦ ગ્રામ દહીં લાલ મરચું,શેકીને દળેલુ જીરુ ચાટ મસાલો,ઝીણી સેવ,ચપટી અજમો ઝીણી સમારેલી કોથમીર

રીત:
સૌ પ્રથમ મેંદા અને મકાઇનાં લોટને મોટા બાઉલમાં ભેગા કરી તેમાં મીઠું અને સહેજ મોણ ઉમેરી કઠણ લોટ બાંધી લો. હવે લીંબુના આકાર જેટલો લુવો લઇ તેને પુરીની જેમ વણો. ત્યાર બાદ નાની વાડકી પર એકદમ ફીટ આવી રહે તે રીતે વીંટાળી દો. જેથી તેનો આકાર વાડકી જેવો થઇ જાય. હવે તવીમાં તેલ ગરમ કરી તેમાં વાડકી મુકો. વાડકી મુક્તાંની સાથે જ વાડકીનાં આકારમાં વીંટાળેલી પુરી છૂટી પડી જશે. આ જ રીતે બીજા લુવામાંથી વાડકીનાં આકારમાં પૂરી તળી લો. હવે આ બાસ્કેટ જેવા આકારની પુરીમાં વચ્ચે બાફીને ઝીણા સમારેલા બટાકા, ફણગાવેલા મગ, ડુંગળી, કાકડી અને કાબુલી ચણા ભરીને ઉપરથી ચાટ મસાલો, ઝીણી સેવ, સહેજ દહીં અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

હોટપોટ મેક્રોની

સામગ્રી:- ૧૫૦ ગ્રામ મેક્રોની ૧૦૦ ગ્રામ મશરૂમ ૧૦૦ ગ્રામ ક્રશ કરેલા ટામેટા ૫૦ ગ્રામ પાલક ૨ નંગ માપસરની ડુંગળી ૧ નંગ ગાજર, ૧ નંગ શિમલા મિર્ચ ૧ નંગ નાની કોબીજ સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, છીણેલુ ચીઝ ટોમેટો કેચઅપ લસણની પેસ્ટ

રીત :
સૌ પ્રથમ મેક્રોનીને બાફી લો. ડુંગળી, ગાજર, મશરુમ અને શિમલા મિર્ચને બારીક સમારી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ સાંતળી, ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. સહેજ ગુલાબી રંગ થાય ત્યારે તેમાં લાલ મરચું, ગાજર અને શિમલા મિર્ચ ઉમેરી બરબિર સાંતળો. ચારથી પાંચ મિનિટ બાદ તેમાં ક્રશ કરેલા ટામેટા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સાંતળો. બે થી ત્રણ મિનિટ બાદ તેમાં બાફેલી મેક્રોની, સમારેલી કોબીજ અને ઝીણી સમારેલી પાલક ઉમેરી બરાબર હલાવીને ૫-૭ મિનિટ સુધી ચડવા દો. બધા જ શાક બરાબર ચડી જાય ત્યાર બાદ તેને બાઉલમાં લઇ ઉપરથી છીણેલુ ચીઝ અને ટોમેટો કેચઅપ થી સજાવી સર્વ કરો.

મિક્સ વેજી. પુરી

સામગ્રી:- ૧૦૦ ગ્રામ વટાણા ૧૦૦ ગ્રામ કાકડી ૧૦૦ ગ્રામ ગાજર ૧૦૦ ગ્રામ ડુંગળી આદુ-મરચાંની પેસ્ટ, ૧ ચમચી ચણાનો લોટ ઝીણી સમારેલી કોથમીર, ૨ ચમચી લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું, ૧ વાડકી ઘઉંનો લોટ,અડધી વાડકી મેંદાનો લોટ,વઘાર માટે હિંગ અને જીરુ

રીત:
સૌ પ્રથમ બધા જ શાકને પાણીથી ધોઈ કોરા. કરી લો. હવે કાકડી અને ગાજરને ભેગા જ છીણી લો. ત્યાર બાદ ડુંગળીને પણ જુદી છીણી લો. હવે વટાણાને અધકચરા વાટી લો. ત્યાર બાદ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી છીણેલી ડુંગળી સાંતળો ત્યાર બાદ તેમાં કાકડી-ગાજરનું છીણ અને વટાણા ઉમેરી બરાબર હલાવી લો. ત્યાર બાદ તેમાં આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ચણાનો લોટ અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવીને બે થી પાંચ મિનિટ સુધી ચડવા દો. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દો. ત્યાર બાદ ઘઉંનો લોટ અને મેંદો ભેગો કરી તેમાં સ્વાદ પ્રમાણે સહેજ મીઠું અને ઘીનું મોણ ઉમેરી પુરી માટેનો લોટ બાંધી લો. ત્યાર બાદ તેનાં લુવા કરી લો. હવે નાની પુરી વણી તેની પર શાકનું પુરણ મુકી કચોરીની જેમ વાળી લો. હવે તેલ ગરમ કરી તેમાં તળી લો. આ જ રીતે બીજી પુરીઓ. તૈયાર કરી તળી લો. હવે આ ગરમાગરમ મિક્સ વેજી. પુરીને દહીં સાથે સર્વ કરી લિજ્જત માણો.


દહીંટિકકી

સામગ્રી:- ૫૦૦ ગ્રામ દહીં ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા ૧ નંગ નાની કાકડી અડધી ચમચી શેકેલ જીરુ,ચપટી તજ-લવિંગનો પાવડર,ઝીણી સમારેલી કોથમીર, ૨-૩ લીલા મરચાં

રીત: –

સૌ પ્રથમ દહીંનું પાણી કાઢીને તેને ઝીણા કપડાંથી. છાણીને તેનો મસકો બનાવી લો. હવે કાકડીને છીણી લો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પાંચથી. સાત મિનિટ રહેવા દો. હવે આ છીણને હાથ વડે દાબીને તેનું પાણી કાઢી લો. હવે બટાકાને મસળીને તેનો માવો. તૈયાર કરો. ત્યાર બાદ બાઉલમાં દહીંનો મસકો, કાકડીનું છીણ, શેકેલું જીરુ, તજ-લવિંગનો પાવડર કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી પુરણ તૈયાર કરી લો. હવે બટાકાના માવામાં સ્વાદ પ્રમાણે મીઠું અને કાળી મરીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેના નાના નાના લુવા તૈયાર કરી લો. હવે આ લુવાને ઘઉંના લોટમાં રગદોડીને માપસરની નાની પુરી વણી લો. ત્યાર બાદ તેમાં તૈયાર પુરણ ભરીને ઉપર બીજી તૈયાર કરેલી પુરી પાથરીને બધી બાજુથી હાથેથી. હળવેકથી પેક કરી લો. હવે પેનમાં જરૂર પ્રમાણે તેલ ગરમ કરી તેમાં આ ટિીને તળી લો. સહેજ બદામી રંગ જેવી તળવી, હવે તૈયાર દહીંની ટિીને લીલી ચટણી સાથે સર્વ કરી લિજજત માણો.

Leave a Reply

Your email address will not be published.