કોંગ્રેસ માં જૈસે થે

જેની ઘણા લાંબા સમય થી રાહ જોવાતી હતી તેવી કોંગ્રેસ ની વર્કીગ કમિટી ની બેઠક મળી હતી. પાંચ રાજ્યો ની ચૂંટણી માં કોંગ્રેસ ના કારમા પરાજય ની સમીક્ષા કરવા મળેલી બેઠક ના અંતે, રાબેતા મુજબ તમામ નેતાઓ એ સોનિયા ગાંધી ના નેતૃત્વ ઉપર વિશ્વાસ દાખવતા તેમને કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષપદે યથાવત રાખવા નો નિર્ણય લેવાયો હતો.કોંગ્રેસ વર્કીગ કમિટી-સીડબલ્યુસી ની બેઠક અગાઉ ગાંધી પરિવાર ના ત્રણેય સદસ્યો – શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પાંચ રાજ્યો ના ચૂંટણી માં કોંગ્રેસ ના ઘોર પરાજય ના પગલે રાજીનામુ આપનાર છે તેવી જારદાર ચર્ચા ચાલતી હતી. જો કે કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા એ તુર્ત જ સ્પષ્ટતા કરતા તેને અફવા અને રમુજ ગણાવી હતી. પાર્ટી ના મુખ્ય કાર્યાલય બહાર બેઠક શરુ થતા અગાઉ જ કોંગ્રેસી પરંપરા અનુસાર કોંગ્રેસ ના કાર્યકરો જોરદાર દેખાવો કરતા રાહુલ ગાંધી ને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા ની માંગ કરી રહ્યા હતા. તદુપરાંત મિટીંગ માં પધારેલા રાજસ્થાન ના કોંગ્રેસ ના મુખ્યમંત્રી અશોક ગેહલોત એ પણ કોંગ્રેસ ના અધ્યક્ષપદે રાહુલ ગાંધી ને જ યોગ્ય ગણાવ્યા હતા. સીડબલ્યુસી ની બેઠક માં કોંગ્રેસ ના અસંતુષ્ઠ જૂથ મનાતા જી-૨૩ સમૂહ ના સભ્યો પણ હાજર હતા. વાસ્તવ માં કોંગ્રેસ ના અધ્યક્ષપદે લાંબા સમય થી સોનિયા ગાંધી નિષ્ક્રિય જ રહ્યા છે. જ્યારે મહામંત્રી રાહુલ ગાંધી એ પંજાબ ના સુખપ ચાલી રહેલાકોંગ્રેસી રાજ્ય સરકાર માં કેપ્ટન અમરિન્દર સિંગ ને પરેશાન કરવા સિધુ ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા.

અંતે કેપ્ટન કોંગ્રેસ છોડી અલગ પાર્ટી બનાવી જ્યારે નવા મુખ્યમંત્રી ચન્ની અને સિધ્ધ ના ગજગ્રાહ માં કોંગ્રેસ ના હાથ માં થી પંજાબ પણ સરકી ગયું અને હવે ત્યાં ‘આપ’ ની સરકાર રચાવા જઈ રહી છે. જ્યારે યુ.પી. માં કોંગ્રેસ ના પ્રચારનું સુકાન સંભાળનાર અને યુ.પી.માં લડકી હું, લડ સકતી હુંનો નારો આપનાર પ્રિયંકા ગાંધી મતદારો ને આકર્ષવા કે કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માં સદંતર નિષ્ફળ જ પૂરવાર થયા હતા. આમ અધ્યક્ષ સોનિયા ગાંધી વતી પાંચેય રાજ્યો માં પ્રચાર નું સુકાન સંભાળનાર રાહુલ-પ્રિયંકા ભાઈ-બહેન ની જોડી કોંગ્રેસ નો કરુણ રકાસ અટકાવી શકી નહોતી. એક સમયે દાયકાઓ સુધી કેન્દ્ર અને મહત્તમ રાજ્યો ઉપર શાસન કરનારી કોંગ્રેસ હવે માત્ર રાજસ્થાન અને છત્તીસગઢ બે જ રાજ્ય સરકારે જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ માં ગઠબંધન સરકાર તરીકે સમેટાઈ ગઈ છે. હવે તો સમય એવો આવ્યો છે કે કોંગ્રેસ ને રાષ્ટ્રીય પાર્ટી તરીકે નો દરજ્જો ટકાવી રાખવો પણ દિવસે-દિવસે કઠીન બનતું જાય છે. જો કે સીડબલ્યુસી ની બેઠક માં જી-૨૩ સમુહ ના આનંદ શર્મા, કપિલ સિબ્બલ અને મનિષ તિવારી ની હાજરી માં સાડાચાર કલાક ચાલેલી બેઠક ના અંતે કોંગ્રેસ માં દરેક ને શ્રીમતિ સોનિયા ગાંધી માં જ વિશ્વાસ છે અને તેઓ જ પક્ષનું નેતૃત્વ સંભાળશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published.