આપણું રસોડુ

રાજમા વિથ
બ્રાઉન બ્રેડ ડીશ

સામગ્રી: ૮ બ્રેડની સ્લાઇઝ એક વાડકી રાજમા ૧ મધ્યમ કદની ડુંગળી ૧ નાનુ શિમલા મિર્ચ ૧ ચીઝ ક્યુબ કોબીજનો ટુકડો ૨૫૦ ગ્રામ ટામેટા ૧૦૦ ગ્રામ પનીર જરૂર પ્રમાણે બટર લસણ-મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું સહેજ ખાંડ

રીત:
સૌ પ્રથમ રાજમાને ૮ થી ૧૦ કલાક સુધી પલાળો. ત્યાર બાદ તેને બાફી લો. હવે ડુંગળીને સમારી લો. હવે ટામેટાને પણ સમારી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ-મરચાંની પેસ્ટને સાંતળીને તેમાં સમારેલી ડુંગળી સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મીઠું, લાલ મરચું અને સહેજ ખાંડ ઉમેરી બરાબર મિકસ કરીને ઘટ્ટ ગ્રેવી તૈયાર કરો. જરૂર પડે તો પાણી ઉમેરો. હવે શિમલા મિર્ચ અને કોબીજને ઝીણા સમારીને ગ્રેવીમાં સાંતળો. ત્યાર બાદ તેમાં રાજમાં અને મસળેલા પનીરને ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દો. હવે બ્રેડની સ્લાઇઝની કિનરીઓ કાપીને બેકિંગ ડિશમાં બટર લગાવીને સ્લાઇઝ ગોઠવો ત્યાર બાદ તેની પર તૈયાર ગ્રેવીને પાથરો. હવે તેની પર છીણેલુ ચીઝ ભભરાવીને ઓવનમાં બેક કરવા મુકો. બેક થઇ જાય ત્યાર બાદ તેને ગરમા ગરમ સર્વ કરી લિજ્જત માણો.


ગાર્લિક સ્પાઇસી ચકરી

સામગ્રી: ૧૦૦ ગ્રામ ભાજણીનો લોટ (ચોખા, જુવાર, બાજરી, દેશી ચણા, અડદની દાળ, ઘઉં ધાણાને પીસીને બનાવેલ લોટ) ૧ ચમચી અજમો લસણ-મરચાંની ચટણી ૨ ચમચી તલ સ્વાદ પ્રમાણે મીઠું
રીત:
સૌ પ્રથમ મોટા બાઉલમાં ભાજણીનો લોટ લઇ તેમાં સ્વાદ છે પ્રમાણે મીઠું, અજમો, તલ અને / લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તપેલીમાં બે કપ જેટલું પાણી લઇ ગરમ કરવા મૂકો. બરાબર ગરમ થાય અને ઉકળે ત્યારે તેમાં બે ચમચી તેલ ઉમેરો. હવે લોટના મિશ્રણને ગરમ પાણીમાં એકધારો નાંખતા ખૂબ હલાવો. બરાબર મિક્સ થઇને લિમ્મુ અને કઠણ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ પડવા દો. ત્યાર બાદ પેનમાં તેલ ગરમ કરો. હવે ચકરીનાં સંચામાં તૈયાર મિશ્રણને ભરીને ગરમ તેલમાં તળી લો. હળવી ગુલાબી રંગની કરવી.


પોટેટોની સ્પાઈસી પેટિસ

સામગ્રી : ૨૫૦ ગ્રામ બટાકા ૧ ચમચી સોયાબીનનો લોટ ૧ ચમચી કોપરાનું છીણ ૧ ચમચી સિંગ દાણાનો ભૂકો આદુ-મરચાંની પેસ્ટ ૨ ચમચી ચણાની પલાળેલી દાળ ૨ ચમચી ફણગાવેલા મગ તજ-લવિંગનો ભૂકો ઝીણી સમારેલી કોથમીર ૧ ચમચી લીંબુનો રસ સહેજ ખાંડ ૨ નંગ લીલા મરચાં વઘાર માટે હિંગ
રીત:
સૌ પ્રથમ બટાકાને બાફીને છોલી લો. હવે તેનો માવો કરી તેમાં સોયાબીનનો લોટ, મીઠું, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે ચણાની દાળ અને ફણગાવેલા મગને અધકચરા વાટી લો. ત્યાર બાદ પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરીને ચણાની દાળ અને ફણગાવેલા મગને વઘારો ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુ-મરચાંની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં તજ-લવિંગનો ભૂકો ઉમેરી બરાબર મિકસ કરી ગેસ પરથી નીચે ઉતારી લો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરી કોથમીર, સિંગ દાણાનો ભૂકો અને કોપરાનું છીણ ઉમેરી બરાબર મિક્સ કરીને પુરણ તૈયાર કરી લો. હવે બટાકાનાં માવાનાં નાના ગોળા વાળી તેને વાટકીને આકાર આપીને તેમાંતેમાં તૈયાર પુરણ ભરો. હવે નોનસ્ટીકમાં થોડુંક તેલ મુકીને આ પેટિસને હળવેકથી વાળીને સહેજ ગુલાબી રંગની તળી લો. હવે તેને પ્લેટમાં લઇને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરીને લિજજત માણો.


લીલા ચણાની કરી

સામગ્રી: ૧ વાટકી લીલા ચણા ૧ વાટકી મકાઇનાં દાણા ૫૦ ગ્રામ કોપરાની છીણ ૧ ચમચી સિંગદાણા ૧ ચમચી કાજુ ૧ ચમચી બદામ ૧ નંગ મધ્યમ કદની ડુંગળી આદુ-મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું તજ, લવિંગ, આખા ધાણા ઝીણી સમારેલી કોથમીર
રીત:
સૌ પ્રથમ મકાઇનાં દાણા અને લીલા ચણાને બાફી લો. હવે ડુંગળીને મોટી સમારી તેમાં કોપરાની છીણ, કાજુ, બદામ અને સિંગદાણા ઉમેરી જરુર પડે તો સહેજ પાણી ઉમેરીને પેસ્ટ જેવુ તૈયાર કરી લો. હવે આખા ધાણા, તજ, લવિંગ અને જીરુને સહેજ શેકી લો. ત્યાર બાદ તેને કોપરાની પેસ્ટમાં ઉમેરો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર પેસ્ટ સાંતળો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સહેજ પાણી ઉમેરીને ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી લો. હવે તેમાં બાફેલા મકાઇનાં દાણા અને લીલા ચણા ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાંચથી સાત મિનિટ સુધી ચડવા દો. ત્યાર બાદ તેને બાઉલમાં લઇ ઉપરથી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ પરોઠા કે રોટલી સાથે સર્વ કરી લિજજત માણો.

Leave a Reply

Your email address will not be published.