રિટાયરમેન્ટનો આનંદ

રિટાયરમેન્ટનો આનંદ એટલે મોડા ઊઠવાનો આનંદ. જયારે નોકરી કરતો હતો ત્યારે જીવન જીવવા માટે મારા આદર્શ મારા સસરાજી હતા. જેમણે ૮૪ વરસની ઉંમર સુધી વકિલાત કરી હતી. હું તેમની વ્યસ્ત જીંદગી જોઇને વિચારતો કે આનું નામ તે જીવન. તે કહેતા કે “રિટાયર્ડ થઇએ તો મૃત્યુ વહેલું આવે” અને ખરેખર મને એમનું જીવન ગમતું. અમે અમેરિકાથી દેશ જઇએ તો પણ સવારે દાદાજી કેસ લડવા કોર્ટમાં જતા. મેં ૩૦ વરસની નોકરી પછી રિટાયર્ડ થતી ફ્લોરેન્સને બોસે બિચ ઉપર આવેલી હોટેલમાં ભવ્ય પાર્ટી આપી હતી. કંપનીના ૫૦ ફેમિલી પણ જોડાયા હતા. રિટાયરમેન્ટની પાર્ટી, કંપનીમાં તમારી નોકરીની અગત્યતા પર આધારિત હોય છે. ફ્લોરેન્સ કંપનીની પહેલી એમ્પલોયી હતી. કોઇકને કંપની ગૉલ્ડ વૉચ આપે છે. કોઇકને બોનસ અને કોઇકને છેલ્લો પગાર. જેવી જેની અગત્યતા. મને કંપનીએ છ મહિનાનો પગાર આપ્યો હતો. મને રિટાયર્ડ જ ન થવા દીધો. મને જવા દીધો. બાયપાસ સર્જીને કારણે. એટલે કંપનીમાં નથી તો મારા માનમાં પાર્ટી થઇ કે નથી તો કોઇએ મારા જવાથી આંસુ વહાવ્યા. અને નથી તો મને ઘેર જવાનો આનંદ થયો. ત્યારે મારી ઉંમર સાઠ વરસની હતી.તમે જરા વિચાર તો કરો કે ચાલીસ વરસ સુધી રોજ સવારે છ વાગે ઊઠતા હોઇએ એ તદન બંધ થઇ જાય તો ? તમારે નોકરી પર જવાનું ન હોય તો દિવસ કેવી રીતે પસાર કરવાનો ? આ તો નોકરિયાતનું દિવાસ્વપ્ર ગણાય. રિટાયરમેન્ટ એટલે જાણે કે બાળકને મિઠાઇના રૂમમાં ન બેસાડી દીધો હોય ! જાણે સદેહે સ્વર્ગમાં ન પહોંચી ગયા હોય!હવે આખો દિવસે ઘેર રહેવાનું. તેમ છતાં મારું મગજ ઠેકાણે રાખવા મેં રોજીંદુ જીવન ચાલું રાખ્યું. દર શનિ રવિ રજાને દિવસે મેં મોડા ઊઠવાનું ચાલુ રાખ્યું.

અઠવાડિયાના કામના દિવસે મારી રજા હોવા છતાં ફિલ્મ જોવા તો શનિ રવિ જ જવાનું રાખ્યું. આખો દિવસ ખાલી હોવા છતાં લોકોને મળવાનું તો વીક એન્ડમાં જ, છતાં એક મિત્રની સલાહથી હવે મારા ફાજલ સમયનો સદઉપયોગ કરવા માટે, નજીકની હોસ્પિટલમાં વૉલન્ટીયર તરીકેની સેવા આપવા જોડાયો. રોજ સવારે જવાનું અને બપોરે બારવાગે પાછું આવવાનું. મારે બિમાર દર્દીઓની વહીલ ચૅરમાં હેરફેર કરવાના હતા. ત્રીજે જ દિવસે મેં મારાથી વધુ જાડા એવા દર્દીને અંદર બેસાડવા જતાં પાડી દીધો. તેનો પગ મચકોડાય ગયો. અને કોણી છુંદાઈ ગઇ. સારી વાત એ હતી કે અમે બન્ને હૉસ્પિટલમાં હતા. મારી વૉલન્ટીયર કેરિયરનો ત્યાં જ અંત આવ્યો.હવે ઓફિસની જેમ ઘરમાં ગપસપ કરનારા ન મળે, આવા સમયે ટેલિફોનના રોંગ નંબર પણ વહાલા લાગે છે. ટેલિમાર્કેટિંગવાળાઓએ તો મને બ્લેક લિસ્ટમાં મુકી દીધો છે. મારા પર લોંગ ડિસ્ટન્સ ફોન કૉલ સર્વિસના કે ટેલિવિઝનની ડિશ નેટવર્ક માટેના ફોન આવતા ત્યારે તેમને સામેથી હું સવાલો કરતો. “ક્યાંથી બોલો છો ? ઇન્ડિયાથી કે ફિલીપીન્સથી? ત્યાં શું ટાઇમ થયો? હૈદરાબાદનું વેધર કેવું છે? તમારું નામ શું? એમને એમની સેલ્સની વાત કરવાનો મોકો જ ન આપું. હવે એ બધાં ફોન આવવાના બંધ થઇ ગયા છે. મિત્રોના ફોનની રાહ જોતો બેઠો હોઉં છું. આજકાલ મારા મિત્રોને ત્યાં ઇન્ડિયાથી ફોન આવવા માંડ્યા છે. જ્યારે કોઇ મિત્રને ફોન કરું અને વાત ચાલું કરું કે તુરત જ કહેશે “ હરનિશભાઇ, કાંઇ ખાસ કામ હોય તો બોલો. મારે ઇન્ડિયાથી ફોન છે. પછીથી ફોન કરું છું.” પછી હું એમનાં ફોનની રાહ જોઉં અને એ બિચારા મને ફોન કરવાનું ભૂલી જાય.

જ્યારે કોઇ પાર્ટીનું આમંત્રણ આપે તો ખાસ કહે કે પાર્ટી સાડા સાતે છે. સાડા છ એ નહીં. શુક્રવારની પાર્ટી માટે તો ખાસ યાદ કરાવતા કે તેઓ જાતે જ સાડા છએ નોકરી પરથી આવશે.મારા ડૉક્ટરને હેમ હતો કે એમની એપોઇન્ટમેન્ટ, એમની ઓફિસના મેગેઝિન વાંચવા માટે જ લઉં છું. પહેલાં ડૉક્ટરને ત્યાં મોડો પડતો હવે અડધો કલાક વહેલો જાઉં છું. અને તપાસ પછી કલાકેક બેસું છું. ત્યાં જાત જાતનાં મેગેઝિન આવે છે. આપણને તો લાયબ્રેરી જેવું લાગે છે. ઘર પાસે નાનકડો સ્ટ્રીપ મોલ છે. ત્યાં બપોરે ફરવા જાઉ તો બધી દુકાનોમાં હાય હેલો કરવા જાઉં. હવે બધાં મને ઓળખી ગયા છે. સીવીએસ ફાર્માસીવાળી છોકરી સિવાય કોઇ મિતથી આવકારતું નથી.અમેરિકામાં લોકો સામાન્ય રીતે છાંસઠ વરસે રિટાયર્ડ થાય છે. ઘણાં લોકો એટલા અગત્યનાં હોય છે કે તેમને ૭૦ વરસ સુધી મસ્કા મારીને રખાય છે. એટલે સાઠ વરસે નોકરી છુટ્યા પછી મને બીજી નોકરી મળી નથી. એટલે બેકાર છું કહેવા કરતાં “અર્લી રિટાયરમેન્ટ” લઇ લીધી છે. લોકોને એમ કહું છું. જેમ કુંવારા પુરુષનું વાંઢાંમાં રૂપાંતર થાય છે. તેમ બેકારમાંથી રિટાયર્ડમાં મારું રૂપાંતર થયું. અને જેમ કુંવારાની ધીમે ધીમ પરણવાની ઇચ્છા મરવા લાગે છે તેમ મારી કામ કરવાની ઇચ્છા પણ મરવા લાગી છે. હવે એમ થાય છે કે લોકો સવારના પહોરમાં કામ પર જ કેમ જાય છે? આ પૅટ રેસ શાને માટે? મોડા ઊઠવાનો આનંદ જેણે માણ્યો હોય તેણે મહાસુખ માણું ગણાય.મને યાદ આવે છે મારો મિત્ર રમેશ વ્યાસ. બીજે દિવસે હું જીવનની પ્રથમ નોકરી પર અતુલ પ્રોડક્ટસમાં જોડાવાનો હતો. મારો આનંદ માતો નહોતો. વલસાડમાં રમેશને ત્યાં રહ્યો હતો. રમેશ મારા કરતાં છ મહિના પહેલાં અતુલમાં જોડાયો હતો. રમેશ મને ઘરના ઓટલા પર લઇ ગયો. અને ખૂબ જ નાટ્યાત્મક ઢબે મને કહ્યું કે “હાથ ઉંચા લે અને ઊંડો શ્વાસ લે. આમ દશ બાર વાર કર.” મેં ઊંડા શ્વાસ લેવા માંડ્યા.અને શ્વાસોચ્છવાસની કસરત કરવા માંડી.

મને મઝા પડવા લાગી અને પછી રમેશે મને કહ્યું કે “યાદ રાખજે, તારા આ શ્વાસ જીવન ભર. આ તારી આઝાદીના છેલ્લા શ્વાસ છે. કાલથી તું ગુલામ થઇ જઇશ. જે ગુલામી જીવનભર છૂટવાની નથી. કોલેજ લાઇફ કેવી હતી તે પણ યાદ નહીં રહે.” પછી શ્રી રમેશની મમ્મીએ મને કહ્યું કે “રમેશ નોકરી પર જતાં પહેલાં પીતી વખતે રોજ સવારે રડે છે. મારે એને પટાવીને નોકરીએ મોકલવો પડે છે.” અમે ત્યારે બાવીસ વરસના હતા. અને તાજી જ કોલેજ છોડી હતી.આજે પાછી એવી પરિસ્થિતિ આવી છે. ત્યારે દશાએ છે કે ઘેર બેસવાનું ગમે છે. પહેલાં કામ પર જતાં લાગતું કે પાર્ટીમાં જઇએ છીએ.અને આજે પાર્ટીમાં જતાં કામ પર જતાં હોઇ એમ લાગે છે. તેમાં જો પત્ની પણ ઘેર હોય તો તો આવી બન્યું. એક મ્યાનમાં બે તલવાર રાખવી સહેલી છે પણ એક ટી વી રામે એક સોફામાં બે પતિ પત્ની સમાવવા અઘરા છે. પહેલાં મારી પત્ની સવારે મને અને બાળકોને બ્રેકફાસ્ટ – લંચ તૈયાર કરી અને વિદાય કરી દેતી. હવે | રિટાયર્ડ થયા પછી ખબર પડી કે તે તો અમને વિદાય કરી અને સુઇ જતી હતી. એનું પોતાનું ટાઇમ ટેબલ હતું. તેમાં ભાગ પડાવનારો આવ્યો. ઓપરાહવિન્ફીના ટીવી પ્રોગ્રામ વખતે તેણે મને રૂમની બહાર કાઢી મુક્યો. જાણે હું બે બહેનપણીની વાતો ન સાંભળવાનો હોઉં. રિજીસ | ફિલ્બીનનો શૉ જોતાં જોતાં મારા તરફ તો ભૂલથી ય એકવાર ન જુએ. એટલા ધ્યાનથી એને સાંભળે કે જાણે કોલેજકાળના કોઇ મિત્રની વાતો સાંભળે છે. અને બન્ને એકલા છે. તેમાં વચ્ચે આપણે આવી ગયા. બપોરે કોઇના ફોન આવે હું ઉપાડું સામેની વ્યક્તિ તો પૂછે કે “તમે કોણ છો ?” તો મારે પૂછવું પડે, “ભાઇ, બપોરે મારા ઘરમાં કોઇ બીજું હોય છે? આ તો ઘરનું મોર્ટગેજ ભરનારો છે.” આવા સંજોગોમાં ઘરમાં શાંતિ રાખવી ખૂબ અઘરી હોય છે. મારા પત્નીને ઘરની બધી લાઇટો ચાલુ રાખવાની ટેવ છે. કિચનમાં તડકો આવતો હોય છતાં લાઇટ ચાલુ હોય. હવે જો હું એકની એક વાત એને કહ્યા કરું કે લાઇટ બંધ કરો.

લાઇટ બંધ કરો. તો હું ડોસામાં ગણાય જાઊં. ઉંમરથી ડોસા નથી બનાતું. વર્તનથી બનાય છે. એટલે હવે હું કહું છું કે મારી પત્નીને સૂર્યનો તડકો જોવા પણ લાઇટ કરવી પડે છે.” ઘણી વખત મને લાગે કે પત્નીએ આખી જીંદગી બહુ કામ કર્યું છે. નોકરી કરવી. રાંધવાનું, વાસણ ધોવાનું બધું જ એ કરતી. મને મનમાં થતું કે એ કામ કરે અને હું બેસી રહે! એટલે હવે એ જ્યારે વાસણો ધુએ છે. ત્યારે સિંક પાસે એની બાજુમાં ઊભો રહું છું તો મને સારું લાગે છે.ઓફિસમાં તો આખો દિવસ નાસ્તા પાણી ચાલતા. ઓફિસનો લંચ રૂમ હતો. ઓફિસ તરફતી કૉફીનો બંદોબસ્ત હોત. વાર તહેવારે પીઝાની જયાફત થતી. દર અઠવાડિયે કોઇકને કોઇકની બર્થડ આવતી. બોસ કેક મંગવિતા. હવે ઘરમાં તો કેદીઓને અપાતા માપસર રેશનની જેમ લંચ મળે છે. પટેટો ચીપ્સ બધી બંધ અને શેકેલા ઘઉંના ફાડા દૂધમાં પલાળીને ખાવાના. મને એમ કે માણસ રિટાયર્ડ થાય તો ઘેર રહે એટલે વજન વધે. મારા કેસમાં તો ઊંધું થવા માંડ્યું છે. આ બધાથી છુટવા માટે એક જ ઊપાય છે. અને તે બીજી નોકરી ચાલુ કરી દેવાની. સાચું પુછો, તો આજકાલ હું બીજી નોકરી શોધી રહ્યો છું. જાન્યુઆરી ૨૦૦૮.

Leave a Reply

Your email address will not be published.