આપણું રસોડું
મેવાવાળી કચોરી
સામગ્રી : સવા કપ મેંદો ૨ ચમચી રવો ૧૦-૧૨ નંગ બદામ ૧૦-૧૨ નંગ પિસ્તા ૧૦-૧૨ નંગ કાજુ ૫ ચમચી કોપરાની છીણ અડધી ચમચી ઇલાયચી પાવડર ૧ ચમચી ખસખસ ૩ ચમચી બૂરુ ખાંડ
રીત : – સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લો. ત્યાર બાદ તેમાં રવો અને મોણ જેટલું ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કણક બાંધી લો. ત્યારબાદ તેને ભીના કપડાથી ઢાંકી રાખો. ત્યાર બાદ બદામ, કાજુ અને પિસ્તાને અધકચરા વાટી લો. ત્યાર બાદ તેમાં કોપરાની છીણ, ઇલાયચી પાવડર અને ખસખસ ઉમેરી બરાબર મિક્સ કરી લખોટીની સાઇઝનાં ગોળા વાળી લો. હવે બાંધેલા લોટમાંથી સ્ટફિંગ માટે તૈયાર કરેલા મિશ્રણનાં બોલ કરતાં થોડાક મોટા એકસરખા લુવા કરી લો. હવે દરેક લૂઆને હથેળીમાં લઇ હાથેથી જ થોડો ઍડ કરી તેના સેન્ટરમાં સ્ટફિંગનો તૈયાર કરેલ બોલ મૂકી બધા છેડા ભેગા કરી સીલ કરી લો. ત્યાર બાદ તેને બોલ જેવો શેપ આપો. હવે આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લો. હવે પેનમાં તળવા જેટલુ તેલ લઇ તેમાં તૈયાર લુવાને સોનેરી રંગનાં તળી લો. હવે ગરમાગરમ મેવાવાળી કચોરીનો સ્વાદ માણો.
મેકરોની એન્ડ પાઇનેપલ બેસ્ડ ડિશ
સામગ્રી: ૧ કપ બાફેલી મેક્રોની અડધો કપ પાઇનેપલનાં ટુકડા ૨ કપ દૂધ ૩ ચમચી ચીઝ દોઢ ચમચી મેંદો ૨ ચમચી માખણ સ્વાદ પ્રમાણે મીઠું મરી ઝીણા સમારેલા લીલા મરચાં ૧ ચમચી ખાંડ શિમલા મિર્ચની રિંગ ૧ ચમચી ટોસ્ટનો ભૂકો
રીત :
સૌપ્રથમ પેનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો શેખો. ત્યાર બાદ તેમાં દૂધ રેડી ઉકાળો. ત્યાર બાદ તેમાં ચીઝ ઉમેરો. બરાબર મિક્સ કરી તેમાં મીઠું, મરી અને ખાંડ | ઉમેરી સહેજ જાડુ મિશ્રણ તૈયાર કરી લો. હવે તેમાં બાફેલી મેકરની, લીલા મરચાં અને પાઇનેપલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર પડે તો થોડુક દૂધ ઉમેરી શકાય. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી બેકિંગ ડિશમાં માખણ લગાવી પાથરો. ત્યાર બાદ ઉપરથી ટોસ્ટનો ભૂકો ભભરાવો. હવે શિમલા મિર્ચની રિંગ ગોઠવી તેની વચ્ચે પાઇનેપલનો ટુકડો સજાવો. છેલ્લે છીણેલી ચીઝ ભભરાવીને ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરવા મૂકો. ગરમાગરમ મેકરોની એન્ડ પાઇનેપલ બેન્ડ ડિશનો સ્વાદ માણો.
કટોરી ચાટ
સામગ્રી: ૪ નંગ મધ્યમ કદનાં બટાકા ૪ ચમચી ઘટ્ટ દહીં ૧ કપ કાબુલી ચણા સ્વાદ પ્રમાણે મીઠું ૨ ચમચી ચાની પત્તી, ૨ નંગ મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ છોલે મસાલા અડધો કપ ટોમેટો પ્યુરી ખજૂર અને આમલીની ગળી ચટણી જરૂર પ્રમાણે લીલી ચટણી જરૂર પ્રમાણે સેવ ઝીણી સમારેલી કોથમીર
રીત:
સૌ પ્રથમ બટાકાને છીણી લો. ત્યાર બાદ તેને પાંચેક મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. હવે તેને સુતરાઉ કપડા પર પહોળા કરી લો. ત્યાર બાદ છીણનાં ચાર ભાગ પાડો. હવે બે નાની ગળણી લો. એક ગળણી કરતા બીજી થોડીક મોટી ગળણી લેવી. હવે તવીમાં પુરતું તેલ ગરમ કરી બટાકાના છીણનાં એક ભાગનું મોટી ગળણીમાં લેયર તૈયાર કરો. ત્યાર બાદ તેની પર બીજી નાની ગળણી મુકી થોડુક દબાણ આપો. બંને ગળણીને ગરમ તેલમાં ડુબાડી રાખી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળો. હવે તેને નિતારીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢી લો. આ રીતે બીજી કટોરી તૈયાર કરી લો. હવે કાબુલી ચણાને ત્રણ કપ પાણી અને મીટ ઉમેરો ત્યાર બાદ મલમલના કપડામાં ચાની પત્તી બાંધી તેને કુકરમાં ચણાની સાથે મૂકો. ચણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને બાફી લો. હવે તેમાંથી પાણી નિતારી લો. હવે છોલે બનાવવા માટે પેનમાં ઘી ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળો. સહેજ સોનેરી રંગની થાય ત્યાર બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને ઉમરી અડધી મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં છોલે મસાલો અને ટોમેટો પૂરી ઉમેરી બરાબર મિક્સ કરો. ઘી છૂટુ પડવા લાગે ત્યારે તેમાં બાફેલા ચણા અને સહેજ પાણી ઉમેરી ચડવા દો. ત્યાર બાદ તેમાં કોથમીર ઉમેરી ગેસ પરથી નીચે ઉતારી લો. હવે તૈયાર કટોરીમાં છોલે ભરી દરેક પર થોડુક દહીં, ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી ઉમેરી ઉપરથી સેવથી ગાર્નિશ કરો. હવે કટોરી ચાટને સર્વ કરી તેની લિજ્જત માણો.
સ્પે. પનીર પાઈનેપલ
સામગ્રી: ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ ૧૫૦ ગ્રામ પનીર ૪ ચમચી કાજુનો ભૂકો ૨ ટીપાં વેનિલા એસન્સ ૧ વાડકી પાઇનેપલનાં નાના ટુકડા ૩ ચમચી બે તારી ચાસણી ચપટી તજનો ભૂકો ચપટી જાયફળનો ભૂકો અડધો પેકેટ રાસબરી જેલી ૧ ચમચી માખણ
રીત :
સૌ પ્રથમ પનીરને મસળીને સુંવાળુ કરી લો. ત્યાર બાદ તેમાં કાજુનો ભૂકો, દળેલી ખાંડ અને વેનિલા એસન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાંથી નાના નાના લુવા કરી દબાવીને અંદર ચારે તરફ ફેલાવીને વાડકી જેવું તૈયાર કરી લો. હવે આ રીતે બધી વાડકી તૈયાર કરી લો. ત્યાર બાદ પાઇનેપલનાં ટુકડામાં ચાસણી, તજ અને જાયફળનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ જેલી ક્રિસ્ટલ્સમાં ગરમ પાણી ઉમેરી બરાબર ઓગાળીને ફ્રીજમાં સેટ કરી જેલી તૈયાર કરી લો. ત્યાર બાદ તૈયાર વાડકીમાં વચ્ચે પાઇનેપલનો ટુકડો ગોઠવી ઉપર જેલી ગોઠવીને સર્વ કરો. સ્પે. પનીર પાઇનેપલનો સ્વાદ માણો.