આપણું રસોડુ

ચણાની દાળની વેઢમી
સામગ્રી:- ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ ૧૦૦ ગ્રામ ચણાની દાળ ૧૦૦ ગ્રામ ગોળ સ્વાદ પ્રમાણે મીઠું ચપટી અજમો ચપટી હિંગ થોડુંક જીરું

રીત :
સૌ પ્રથમ ચણાની દાળને બે કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ પેનમાં તેલ ગરમ કરી જીરા અને હિંગનો વઘાર કરી ચણાની દાળને ઉમેરી બરબિર હલાવીને જરૂર પ્રમાણે પાણી ઉમેરી બાફવા મૂકો. બફાઈ જાય ત્યાર બાદ તેમાં ગોળ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર હલાવો. દાળ બરાબર ચડી જાય અને પાણી સુકાઇ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડી થવા દો. ત્યાર બાદ તેમાં અજમો ભેળવીને બરાબર મિક્સ કરી લો. હવે ઘઉંના લોટમાં સહેજ તેલનું મોણ ઉમેરી કઠણ લોટ બાંધીને નાના નાના લુવા કરી લો. હવે તેની નાની રોટલી વણી તેમાં ચણાની દાળનું તૈયાર મિશ્રણ ઉમેરી બરાબર બંધ કરી લો. ત્યાર બાદ મનગમતા આકારમાં વણીને તવા પર શેકી લો. હવે તેની પર ઘી લગાવી ગરમા ગરમ સર્વ કરો.


રંગીન બુંદી ચાટ

સામગ્રી :-એક બાફેલુ બટાકુ અડધી વાટકી બાફેલા છોલા ૩૦૦ ગ્રામ ચણાનો લોટ ૫૦ ગ્રામ પાલક એક ટામેટુ ક્રશ કરેલુ સ્વાદ પ્રમાણે મીઠું ચપટી સંચળ ૧ ચમચી લાલ મરચું ૧ ચમચી શેકેલું જીરુ કોથમીર ફુદીનાની ચટણી ચપટી સૂંઠ એક વાટકી દહીં

રીત :
સૌ પ્રથમ પાલકને ધોઈને સમારીને બાફી | લો. ત્યાર બાદ તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે ૧૦૦ ગ્રામ ચણાના લોટમાં પાલકની પેસ્ટ અને મીઠું ઉમેરી ખીરુ તૈયાર કરી લો. ત્યાર બાદ ૧૦૦ ગ્રામ ચણાના લોટમાં ક્રશ કરેલા ટામેટા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ખીરુ તૈયાર કરી લો. હવે આ જ રીતે બાકી વધેલા ૧૦૦ ગ્રામ ચણાનાં લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સાદું ખીરુ તૈયાર કરી લો. આ ત્રણેય ખીરા સહેજ જાડા જ તૈયાર કરવા. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં જુદા જુદા ખીરામાંથી બુંદી પાડો. આમ જુદા જુદા રંગની બુંદી તૈયાર કરી લો. હવે દહીંને બરાબર ફીણીને તેમાં સંચળ અને શેકીને વાટેલુ જીરુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બાઉલમાં સૌથી પહેલા દહીં ઉમેરી તેની પર બુંદી પાથરી ઉપરથી ઝીણા સમારેલા બાફેલા બટાકા અને બાફેલા છોલા પાથરો. ત્યાર બાદ તેની પર સજાવટ માટે ફુદીનાની ચટણી અને કોથમીર પાથરો. ઉપરથી લાલ મરચા અને સૂંઠ ભભરાવો.


ટામેટાની સ્પાઈસી સજી

સામગ્રી :- ૫૦૦ ગ્રામ લગભગ એક સરખા માપનાં ટામેટા બે નંગ બટાકા બે નંગ મોટી ડુંગળી આદુ-મરચાં-લસણની પેસ્ટ ચપટી પાઉંભાજી મસાલો ૧૦૦ ગ્રામ પનીર ૫૦ ગ્રામ વટાણા ૨-૩ લીલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું, ધાણાજીરું ૨-૩ નંગ લવિંગ ચપટી ઇલાયચી પાવડર ઝીણી સમારેલી કોથમીર

રીતઃ
સૌ પ્રથમ ટામેટાને પાણીથી ધોઇને કોરા કરીને તેને ઉપરથી ગોળ કાપીને વચ્ચેનો ગર કાઢી લો. હવે તેમાં મીઠું ચોપડો. હવે બાઉલમાં બાફેલા બટાકા, મસળેલુ પનીર, બાફેલા વટાણા, ઝીણા સમારેલા લાલ મરચાં, મીઠું, લાલ મરચું, ધાણાજીરુ અને કોથમીર ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર મિશ્રણને ટામેટાની અંદર ભરી લો. હવે ડુંગળીને ઝીણી સમારી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં લવિંગ અને ઈલાયચી પાવડર ઉમેરી ડુંગળીને સાંતળો. હવે તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરો. ગ્રેવી પ્રમાણે સહેજ પાણી ઉમેરો. બરાબર મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું અને ધાણાજીરુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ભરેલા ટામેટા ગોઠવીને ઢાંકીને ચડવા દો. શાક બરાબર ચડી જાય ત્યાર બાદ ઉપરથી ભાજીપાઉં મસાલો ભભરાવીને ઉપરથી કોથમીરથી ગાર્નિશ. કરી ગરમાગરમ સર્વ કરો.


બટાકાની કઢી

સામગ્રી:- ૨ નંગ બાફેલા બટાકા અડધો કપ દહીં ૨ ચમચી ચણાનો લોટ આદુ-મરચાંની પેસ્ટ હળદર, લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી સુકા ધાણા વઘાર માટે લીમડો, હિંગ અને જીરુ ઝીણી સમારેલી કોથમીર

રીત: – સૌ પ્રથમ બાફેલા બટાકાને છીણી લો. ત્યાર બાદ દહીંમાં ચણાનાં લોટને ઉમેરી બરાબર મિક્સ કરી, લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરુ, હિંગ અને લીમડાનો વઘાર કરી તેમાં બટાકાની છીણ, આદુ-મરચાંની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું, હળદર, લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી, લો. હવે તેમાં દહીંવાળુ મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરો. થોડીક વાર ઉકળવા દો. ઘટ્ટ થાય ત્યારે ગેસ પરથી ઉતારી કોથમીરથી. ગાર્નિશ કરીને ગરમાગરમ ખીચડી કે પરોઠા સાથે સર્વ કરી લિજજત માણો.

Leave a Reply

Your email address will not be published.