પ્રશાંત કિશોર કોંગ્રેસ માં ?
ભારત માં વિપક્ષો ચૂંટણી સમયે ભાજપા ના વિજયી અશ્વમેઘ ના ઘોડા ને અટકાવવા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઉર્ફે પી.કે. ની સેવા લેતા હોય છે. હાલ માં જ કોંગ્રેસ કેન્દ્રીય મોવડીમંડળ સાથે પીકે ની શ્રેણીબધ્ધ મુલાકાતો બાદ ૨૦૨૪ લોકસભા ની ચૂંટણી માં કોંગ્રેસ પી.કે.ની સેવા લેવા નું વિચારતી હોવા ઉપરાંત પી.કે. કોગ્રેસ માં જોડાઈ રહ્યા છે તેવી ચર્ચાઓ ઉઠી છે.૨૦૧૪ માં લોકસભા ની ચૂંટણી માં ભાજપા એ કેન્દ્ર માં સત્તા હસ્તગત કરી તે સમયે ભાજપા ના ચૂંટણી રણનીતિકાર તરીકે પી.કે.ને બહુપ્રસિધ્ધિ મળી હતી. જો કે ત્યાર બાદ કોઈ બાબતે વિવાદ થયા બાદ પી.કે. ભાજપા થી અલગ પડ્યા. ઝયાર બાદ પી.કે. એ ઘણા રાજ્યો માં વિવિધ પક્ષો માટે કામ કર્યું જેમાં સફળતા-નિષ્ફળતા મળતી રહી. નિષ્ફળતા મોટાભાગે કોંગ્રેસ સાથે કામ કરવા માં મળી જ્યારે સફળતા માં બિહાર માં આર.જે.ડી.-જેડીયુ ગઠબંધન, પંજાબ માં કેપ્ટન અમરિન્દર સિંગ, ટીઆરએસ સાથે તેલંગણા એને ટીએમસી સાથે પ.બંગાળ પ્રમુખ ઉદાહરણો છે. હવે પી.કે. ની કોંગ્રેસ સાથે પાછલા દસ દિવસો માં લગભગ ૫ જેટલી મિટીંગો ચર્ચાઓ ના જગાવે તો જ નવાઈ. જો કે પી.કે.ની રાજકીય મહત્વકાંક્ષા પણ અછાની નથી. આ પૂર્વે તેઓ બિહાર માં જે.ડી.યુ. માં જોડાઈ ને પદ મેળવવા, પંજાબ કોંગ્રેસ માં કેપ્ટન અમરિન્દર સિંગ સાથે પણ જોડાઈ ને સરકારી લાભો મેળવવા ઉપરાંત ટીએમસી માં તો તેમનો પડ્યો બોલ ઝીલાય છે.
આમાં પણ પ.બંગાળ માં મમતા ના વિજય બાદ રાષ્ટ્રીય રાજકારણ માં વિપક્ષો નો સંયુક્ત મોરચો બનાવવા નિકળેલા મમતા પાછળ નો દોરી સંચાર પીકે નો જ હોવા નું સર્વ વિદિત હતું. જો કે ત્યાર બાદ કોંગ્રેસ સાથે પણ બેઠકો શરુ થતા પી.કે.એ જ પોતાના એક ઈન્ટર્વ્યૂ માં કહ્યું હતું કે ભાજપા ને હરાવવો મુશ્કેલ છે, જો કે અસંભવ નથી. જો કે તેના માટે સબળ વિપક્ષ પણ રાષ્ટ્રીય કક્ષા નો હોવો જરુરી છે. ગમે તેવા સબળ પ્રાદેશિક પક્ષ પણ રાષ્ટ્રીય પક્ષ બનવા સતત મહેનત કરે તો પણ ઓછા માં ઓછા વીસ વર્ષો લાગી જશે. આમ આડકતરી રીતે ટીએમસી ના મમતા ના વડાપ્રધાનપદ ના ફુગ્ગા માં થી હવા કાઢ્યા બાદ પી.કે. કોંગ્રેસ ની નજીક આવ્યા. જો કે પ.બ’ગાળ માં ભાજપા ને હરાવ્યા બાદ પી.કે. અને મમતા બન્ને એ વિપક્ષો નો સંયુક્ત મોરચો બનવિવા વિવિધ વિપક્ષો ના રાજનેતાઓ ને મળવા વિવિધ રાજ્યો ની મુલાકાત કરી હતી. પરંતુ મમતા નું નેતૃત્વ કોંગ્રેસ ને મંજુર ના હોવાથી મમતા નો સઢ પરવાને ચડતા અગાઉ જ ફાટી ગયો. ચતુર પી.કે. પણ મમતા નો પાલવ છોડી સોનિયા ની છાયા માં આવતા વાર લગાડે તેમ ના હતા. પી.કે. એ કોંગ્રેસ ના બળવાખોર જૂથ જી-૨૩ સમુહ ના નેતાઓ સાથે પણ લાંબી મંત્રણાઓ કરી ચુક્યા છે.

કોંગ્રેસ પાર્ટી સાથે જોડાતા અગાઉ અત્યારે જે મિટીંગો નો સિલસિલો ચાલી રહ્યો છે તે બન્ પક્ષો ની અમુક માંગણીઓ અંગે નો છે. જેમ કે કોંગ્રેસ પાર્ટી અથતિ કે સોનિયા ગાંધી ની પાયા ની અને મુખ્ય માંગ ૨૦૨૪ની લોકસભા ની ચૂંટણી માં વિપક્ષો નો વડાપ્રધાનપદ નો ચહેરો રાહુલ ગાંધી જ રહેશે તેમ છે. જેની સામે પ્રશાંત કિશોર ની દલીલ એવી છે કે જો વડાપ્રધાનપદ નો ચહેરો રાહુલ ગાંધી ને જ બનાવવો હોય તો પાર્ટી ના અધ્યક્ષ ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ કોંગ્રેસી નેતા હોવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી એ પી.કે.એ આ સિવાય પણ આપેલા ઘણા બધા સૂચનો – એક્શન પ્લાન ના અભ્યાસ માટે એક સમિતિ બનાવી છે. જેમાં ગાંધી પરિવાર ના સભ્યો ઉપરાંત કે.સી.વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે સહિત ના અન્ય નેતાઓ પણ છે. જો કે પ્રશાંત કિશોર પોતાના એક્શન પ્લાન ના અમલીકરણ માટે ફી હેન્ડ ઈચ્છે છે, તદુપરાંત ચૂંટણીવાળા રાજ્યો માં વ્યુહરચના લાગુ કરવા અંગે જરૂરી સત્તા પણ ઈચ્છે છે.
આ બધા સામે કોંગ્રેસ પાર્ટી ના જ અમુક નેતાઓ ને પી.કે. કોંગ્રેસ માં જોડાય અને તેમના એક્શન પ્લાન પ્રમાણે કામ કરવા નું થાય તો અમુક વરિષ્ઠ નેતાઓ ને સાઈડ લાઈન થવા નું જોખમ સતાવે છે. જો કે આજ ના સમય ની જરુરિયાત અને કોણ પહેલો વિરોધ કરે તેના ડર થી મોટાભાગ ના નેતાઓ પી.કે.ને પાર્ટી માં સામેલ કરવા ની ગાંધી પરિવાર ની યોજના ની અનિચ્છા એ પણ તરફેણ માં છે. જો કે પી.કે. ની માંગની સામે કોંગ્રેસ ની પણ કેટલીક શરતો છે. જેમ કે પી.કે. એ તેના અન્ય રાજકીય પક્ષો જેવા કે ટીઆરએસ, ટીએમસી સાથે ના સંબંધો તોડવા પડશે. કોંગ્રેસ માં પદ અને સત્તા સાથે અન્ય રાજકીય પક્ષો સાથે નું જોડાણ સૈધ્ધાંતિક રીતે નીતિગત નથી. આમ પીકે ના કોંગ્રેસ જોડાણ અંગે આખરી તબક્કા ની વાટઘિાટો ચાલી રહી છે જે અંગે ની જાહેરાત આગામી સપ્તાહ માં થઈ જવા ની ધારણા છે જેના પગલે જી-૨૩ સમુહ ની પણ વાપસી થઈ જશે.