ગુજરાત કોંગ્રેસ માં વધુ રાજીનામા ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ ને તરછોડી ને ભાજપા નો કેસરીયો ધારણ કરી ચૂક્યા છે. ચાર-પાંચ મુદતો પાડ્યા પછી પણ ખોડલધામ ના નરેશ પટેલ નું હજુ ઠેકાણું પડતું નથી ત્યારે આગામી વિધાનસભા ની ચૂંટણી અગાઉ વધુ ચાર કોંગ્રેસી નેતાઓ પંજા હલાવી ને કેસરીયો ધારણ કરવા ની કતાર માં છે.૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણી માં પાટીદાર આંદોલન બાદ ભાજપા ૧૦૦ ના આંક ને પણ પાર કરી શક્યો ન હતો. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમ જ દક્ષિણ ગુજરાત ના પાટીદારો ની નારાજગી કારણભૂત હતી. દ.ગુજરાત ના પાટીદારો સાથે તો વડાપ્રધાન ખૂદ ઘરોબો કેળવી રહ્યા છે. જ્યારે અનામત આંદોલન ના નેતા હાર્દિક ના ભગવાકરણ બાદ હવે ભાવનગર ના બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ તથા પ્રાંતિજ અને દહેગામ ના કોંગ્રેસી નેતાઓ ના ભગવાકરણ ની તૈયારીઓ ચાલી રહી છે. વળી ડિસેમ્બર વિધાનસભા ની ચૂંટણી અગાઉ પણ અનેક કોંગ્રેસી નેતાઓ ની વિકેટો ભાજપા પાડશે. જે ચાર નેતાઓ ભાજપા માં જોડાવા જઈ રહ્યા છે તેમાં ઘોઘા તાલુકા પંચાયત ના પ્રમુખ તેમ જ શક્તિસિંહ બાદ કોંગ્રેસ ના બીજા શક્તિશાળી ક્ષત્રિય નેતા સંજયસિંહ માલપર (ગોહિલ) મોટુ માથુ છે. આ ઉપરાંત ભાવનગર મનપા ના પૂર્વ શહેર પ્રમુખ અને ૨૦૧૨ માં પક્ષ ની જ આંતરીક જૂથબંધી ના કારણે હારેલા રાજેશ જોષી પણ કેસરીયો ખેસ ધારણ કરવા સજ્જ છે. જ્યારે અન્ય નેતાઓ માં ૨૦૧૨ થી ‘૧૭ સુધી દહેગામ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ છે. જેઓ તેમની નારાજગી સામે પ્રભારી રઘુ શર્મા તથા મોવડીમંડળ તરફ થી સાનુકૂળ પ્રતિભાવ નહીં મળતા અને હાલ ની પ્રદેશ નેતાગિરી ની આંતરીક જૂથબંધી થી કંટાળી ને વિકલ્પ વિશે નિર્ણય લેવા મજબૂર બન્યા હોવા નું જણાવે છે. જ્યારે ૨૦૧૨ થી ૧૭ પ્રાંતિજ ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ બારૈયા એ પણ પક્ષ ની આંતરીક યાદવાસ્થળી અને જૂથવાદ સંબંધિત ચર્ચા પ્રભારી રઘુ શર્મા સાથે કરી હતી. હવે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો અન્ય વિકલ્પો ખુલ્લા છે તેમ જણાવ્યું હતું. આમ પક્ષ આંતરીક જૂથવાદ થી ખદબદે છે ત્યાં પક્ષ ના વરિષ્ઠ નેતા, પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી એ અંગત કૌટુંબિક કલેશ ના કારણે થોડો સમય રાજકારણ માં થી વિશ્રામ (બ્રેક) લીધો છે. ગુજરાત કોંગ્રેસ ની આવી હાલત છે.

Leave a Reply

Your email address will not be published.