ભીમા નાયક – અનંત શુક્લ
પંચ મોહાલી બડવાણી (મધ્યપ્રદેશ) માં ઈ.સ. ૧૮૪૦ માં ભીમા નાયકનો જન્મ થયો હતો. ભીમા નાયક નિમાડનો રોબિન- હુડ તરીકે પ્રસિધ્ધ થનાર વીર યોધ્ધો હતો. આઝાદીની લડાઈમાં ભીમા નાયકનું જોરદાર યોગદાન રહ્યું હતું. તે જનજાતીય નેતા હતો. વનવાસી ક્ષેત્રના જનજાતીય લોકોમાં ભીમા નાયક સાચા અર્થમાં નેતા હતો. તીરંદાજી અને ગોફણ દ્વારા હુમલો કરવામાં તેને સિધ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેને “રોબિનહુડ’ ઉપનામ મળવાનું કારણ રોબિનહુડ જેમ ધનાઢ્ય લોકો ગરીબોને ચૂસતા તેમને લૂંટવાનું કામ કરતો, તે રીતે ભીમા નાયક પણ પોતાના વિસ્તારના
ગરીબોને લૂંટનાર અંગ્રેજો અને ધનકુબેરોને લૂંટતો અને તેમાંથી ગરીબોને મદદ કરતો. આઝાદી માટેની લડાઈ પૂરજોશમાં ચાલી રહી હતી. ભીમા નાયકે પોતાના સમા- જના યુવાનોને તીરંદાજી અને તલવારબાજી તથા ગોફણ ચલાવતાં શીખવ્યું. અંગ્રેજો સામે લડવા શસ્તો માટે પોતાના સ્થાનિક સ્તરે શસ્ત્રો તૈયાર કરાવ્યાં. અનેક યુવાનો અને દેશભક્તો તેની સાથે જોડાયા. ભીમા નાયકે અંગ્રેજોને કબજે કરેલા ૭૧ (ઈકોતેર) સ્થાનો વિજય મેળવી પરત લઈ લીધાં હતા. તાત્યા ટોપે જ્યારે તે વિસ્તારમાં ગયા હતા ત્યારે તેઓ ભીમા નાયકને મળવા ગયા હતા અને ભીમાએ જ તેમને નદી પાર કરાવી હતી. અંગ્રેજોની વિરુધ્ધમાં તેણે મોરચો ખોલી દીધો હતો, તેના માટે સમાજને વ્યાપક સ્તર પર એકજૂટ કરી દીધો હતો. તેનું કાર્યક્ષેત્ર બડવાણી થી શરુ થઈ મહારાષ્ટ્રના સીમાવર્તી ક્ષેત્રોમાં પણ પહોંચ્યું હતું. ઈ.સ. ૧૮૫૭ ના આંબાપાણી યુધ્ધમાં ભીમાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ યુધ્ધ ઈતિહાસ પ્રસિધ્ધ છે કારણ કે એક બાજુ બંદુકો અને અન્ય હથિયારોથી સજજ અંગ્રેજ સેના હતી તો સામે તીરકામઠાં લઈ ભીમા નાયક અને તેના સૈનિકો હતા. ભયંકર યુધ્ધ થયું. ભીમાના પક્ષે ઘણા સાથીઓ શહીદ થયા. ભીમાને પકડી લેવામાં આવ્યો. તેના ઘણા સાથી પણ પકડાઈ ગયા. અંગ્રેજોએ ભીમાની માતાને અમાનવીય કષ્ટો આપ્યાં જેમાં તેમણે દેહ છોડી દીધો. ભીમા સામે અંગ્રેજોની જીત નહોતી થઈ એટલે એમણે
છળકપટથી સૂતેલા ભીમાને પકડી લીધો. તેને આંદામાન-નિકોબાર મોકલી દીધો. આજીવન કેદ અને અનેક પ્રકારની યાતનાઓ સહેતા સહેતા ભીમાને આખરે ફાંસી આપી દેવામાં આવી. ભીમા નાયક સ્વતંત્ર્યતા આંદોલનનું અવિસ્મરણીય પાત્ર બની ગયો.